શ્રી સિધ્ધેશ્વર તીર્થનો પ્રભાવ

ઇતિ શ્રી સ્કંદપુરાણમાં તાપી મહાત્મ્યમાં સિધ્ધેશ્વર તીર્થ પ્રભાવ નામના તાપીપુરાણનાં ૭૧ માં અધ્યાયમાં દર્શાવ્યા મુજબઃ-
ગોકર્ણમુનિએ રામચંદ્રજીને કહ્યું કે હે રામ તાપી તટના પાંચ કોશમાં પાપી જીવો મરણ પામીને સત્યલોકથી પરમ પદને પામ્યા છે. અહીં પાપનો નાશ કરનાર સિધ્ધનાથ મહાદેવ છે જે મારી ભક્તિથી તેમજ મારા તપોબળથી અહીં સ્વયંભૂ સંસારમાંથી મુક્તિ આપનાર પૃથ્વીનું વિદારણ કરીને પ્રગટ થયા છે. જ્યાં શતાનિક રાજાએ પણ તેમના પૂર્વજોનાં ઉદ્ધાર માટે બ્રાહ્મણોને દાન આપી તેમનું પુજન કરી કૃતાર્થ થયા હતા.
શ્લોક નં.૧૭૪ થી ૧૭૮ માં દર્શાવ્યા મુજબ.
સિધ્ધનાથ મહાદેવનું પૂજન ગોકર્ણમુનિનાં કહેવાથી ફળ અને ફુલોથી ભાઇ લક્ષ્મણ સહિત રામચંદ્રજીએ કર્યું હતું. સિધ્ધનાથ મહાદેવથી ઉત્તમ બીજું કોઇ લીંગ નથી, મકર રાશિનાં સુર્યમાં તેનું દર્શન કરવાથી મનુષ્યનો પુનઃજન્મ થતો નથી. મકર રાશિના સૂર્યમાં રામચંદ્રજીએ રામકુંડમાં સ્નાન કરી સિધ્ધનાથ મહાદેવનું ફળ અને ફુલોથી પૂજન કર્યું હતું. તેથી રામકુંડમાં સ્નાન કરવાથી મનુષ્યનો ફરી જન્મ થતો નથી. પિતૃશ્રાધ્ધ માટે માગશર સુદ એકાદશી (ગીતા જ્યંતિ) ના દિવસે ગયાજીમાં હજારોવાર પિંડદાન કરવાથી જે ગતિ પિતૃઓની થાય છે. તે ગતિ અહીં માગશર સુદ અગિયારસ (ગીતા જ્યંતિ) નાં દિવસે માત્ર પિંડદાન કરવાથી થાય છે.
સિધ્ધનાથ મહાદેવનું પૂજન અને દર્શન માગશર સુદ એકાદશી (ગીતાજ્યંતી)નાં દિવસે કરવાથી એક લાખ વર્ષ પર્યન્ત શ્રી શૈલ પર્વતમાં આશ્રય કરવાથી જે ફળ મળે છે તે ફળ માગશર સુદ એકાદશી (ગીતાજ્યંતીના) દિવસે મળે છે.
અહીં સિધ્ધનાથ મહાદેવનું મંદિર દામાજી પિલાજી ગાયકવાડે ૧૭૯૫ની સાલમાં નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી અને ૧૮૦૩ ની સાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું તે સમયે પેશ્વા સરકારે દક્ષિણનું રાજ્ય સર કર્યું હતું. પેશ્વા સરકારનાં સમયમાં પિંઢારાઓનો ખૂબ ત્રાસ હતો, તેઓ લુંટ કરવાનાં ઇરાદે અહીં આવ્યા હતા. રાજા દ્વારા બંધાવેલ મંદિરનાં શિવલીંગ નીચે સોના ચાંદીનો ખજાનો હશે તેથી પિંઢારાઓએ ગણશલુ અને કુહાડાથી શિવલીંગ પર પગ મુકીને ઘા કર્યા. જેથી સિધ્ધનાથ મહાદેવ ક્રોધાયમાન થયા અને શિવલીંગ પર કરેલ ઘાના છિદ્રોમાંથી ભીંગારા સ્વરૂપે પ્રગટ થઇ પિંઢારાઓને કરડ્યા. કેટલાકને આંખમાં કરડવાથી પિંઢારાઓ આંધળા થયા. તેમણે ભગવાન શ્રી સિધ્ધનાથ મહાદેવની માફી માંગી તેથી ભીંગાળા સમી ગયા. આમ આ શિવલીંગનાં દર્શન કરતા જણાય છે કે તેની ઉપર પિંઢારાઓનાં પગનો પંજો અને નાના ઘા કરેલા છિદ્રો જોવા મળે છે તે છિદ્રોમાંથી લીંગની મહત્તા અને પ્રવિત્રતા જાળવવા ગૃપ્તગંગા શિવલીંગમાંથી પ્રગટ થયેલ છે.
માગસર સુદ એકાદશી (ગીતાજ્યંતિ) નાં દિવસે અહીં જાત્રા ભરાય છે. આ દિવસે સવારથી શિવલીંગનાં દર્શન થાય છે, રાત્રે મહાપુજા ગૌસ્વામી ભારતી પરિવાર દ્વારા થાય છે. અને બીજા દિવસે સવારથી ઘીના કમળનાં દર્શન કરવા હજારો લોકો આવે છે અને કાવડિયાઓ દ્વારા તાપી મૈયાનો પાણીનો અભિષેક થાય છે. મહાશિવરાત્રીનાં દિવસે તેમજ શ્રાવણ માસમાં તાપીનાં પાણીનો અભિષેક કાવડિયાઓ દ્વારા થતો હોય છે. આ મંદિરની પરિશરમાં ધર્મશાળા, ૨૫૧ દિવા સળગાવવા માટે દીપમાળા, હનુમાનજીનું મંદિર, કાળભૈરવ, કેદારેશ્વર મંદિર તેમજ જીવિત સમાધિઓ અને દામાજી ગાયકવાડનો બંગલો આવેલ છે. મંદિર પરિશરની બહાર બાણગંગાકુવો, રામયજ્ઞકુંડ અને ગોકર્ણમુનિનું સમાધિ સ્થાન આવેલ છે. સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં રંગમંડપમાં નદી, કાચબો, ગણપતિ, સાંઇનાથ, રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજી અને મંદિરનાં ગર્ભગૃહમાં બટુક ભૈરવ, જયા વિજયા, મહાકાળી, લક્ષ્મીજી, સરસ્વતી, નારાયણ, પાર્વતીમાતા, ગોપીકૃષ્ણ, અન્નપૂર્ણમાતા અને દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસુતિ અને તમની પુત્રી સતીની મૂર્તિઓનાં દર્શન થાય છે.
તાપી પુરાણમાં તાપી અષ્ટોતરીના ૪૮ માં શ્લોકમાં પોપાને નાશ કરનારું સિધ્ધનાથ મહાદેવનું ધામ છે.
તતઃ શ્રી રાઘવક્ષેત્રે, શ્રેષ્ઠ રામેશ્વરમ્ I
તથા સિધ્ધેશ્વરમ્ શતાનીકે ક્ષેત્રે, પાપ હરમ્ પરમ II
શ્રી સિધ્ધનાથ મહાદેવનું શિવલીંગ ગોકર્ણમુનિના તપોબળથી તેમના ફળ સ્વરૂપે પ્રગટ થયું હતું. ગોકર્ણમુનિની સર્વમનોકામના સિધ્ધ થઇ તેથી તેમણે તેમનું નામકરણ વિધિ માગશર સુદ અગિયારસ (ગીતાજ્યંતિ) નાં દિવસે કરીને શ્રી સિધ્ધેશ્વર નામની જગ્યાએ શ્રી સિધ્ધનાથ મહાદેવ નામાભિધાન કર્યુ હતું. આ શિવલીંગ બાર જ્યોતિલીંગમાનું નાશિક નજીક ત્ર્યંબકેશ્વરનાં ઉપલીંગ તરીકે સ્થાપિત થયેલું છે.