ગોકર્ણમુનિની કથા

સૂત ઉવાચઃ
પિતર્યુપરતે તેન જનની તાડિતા ભૃશમ્ ।
કક વિત્તં તિષ્ઠતે બ્રૂહિ હનિષ્યે લતયા ન ચેત્ ।।૧।।
આગળ સૂતે કહ્યું કે પિતા મરણ પામ્યા એટલે પેલા ધુંધુકારીએ માતાને પણ મારીને કહ્યુંઃ "બોલ, ધન ક્યાં છે ? નહિ તો લાત મારીને મારી નાખીશ." તેનાં આવાં વર્તનથી આઘાત પામેલી માતા ધુંધુલી દુઃખથી રાતે કૂવામાં પડી મરણ પામી. આ વખતે ગોકર્ણ તો તીર્થયાત્રા કરવા નીકળી ગયો હતો.
માતાના મૃત્યુ પછી ધુંધુકારી એકલો-અટૂલો પડી ગયો. તે વેશ્યાઓને પોતાના ઘરમાં લઈ આવ્યો. તે વેશ્યાઓને રાજી કરવા માટે ચોરી કરવા લાગ્યો. એક દિવસ તેણે રાજાને ત્યાં ચોરી કરી, દર-દાગીના, સારાં વસ્ત્રો, કીંમતી આભૂષણો લાવીને વેશ્યાઓને આપ્યાં. પુષ્કળ ધન એકઠું થયેલું જોઇ પેલી વેશ્યાઓની દાનત બગડી. તેણે વિચાર્યું કે - ' જો રાજા તેને પકડી પાડશે, અને રાજા તેનું ધન કબજે કરી મારી નાંખશે. સાથે-સાથે આપણે પણ પકડાઇ જઇશું. તેથી આપણે જ તેને મારી નાંખીએ. ' આમ વિચારી વેશ્યાઓએ સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધી, ગળામાં ફાંસો નાંખી, મારવા પ્રયત્ન કર્યો, પરંતુ ધુંધુકારી મર્યો નહિ. આખરે વેશ્યાઓએ બળતા અંગારા ધુંધુકારીનાં મોંમાં નાંખી, તેને મારી નાંખ્યો. પછી તેને ઘરમાં જ દાટી દીધો. તેના દેહનો અગ્નિસંસ્કાર પણ કર્યો નહિ. પછી વેશ્યાઓએ લોકોને કહ્યુંઃ "બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયો છે." લાગ જોઇ તે વેશ્યાઓ ધન લઇ નાસી ગઇ.
ધુંધુકારી પોતાનાં કુકર્મોને લીધે ભયંકર પ્રેત બન્યો. આ બાજુ યાત્રામાં ગયેલા ગોકર્ણને ગ્રામજનો તરફથી રસ્તામાં પોતાના ભાઇના મૃત્યુના સમાચાર મળ્યા. તેણે ગયાજીમાં જઇ ધુંધુકારીનું શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, તે ફરતો-ફરતો એક દિવસ પોતાના નગરમાં પાછો આવ્યો અને સાંજ પડી જવાથી ઘરે જઇ આંગણામાં આવી સૂતો. મધ્યરાત્રે ધુંધુકારી પ્રેતે જુદાં-જુદાં સ્વરૂપો ધરીને તેને દેખાડ દેવા માંડ્યું, પણ તે બોલી શકતો ન હતો, તે માત્ર સંજ્ઞા કરતો હતો. ગોકર્ણે તેનું વર્તન જોયું એટલે તેના ઉપર મંત્રીને જળ છાંટ્યું. મંત્રનાં પ્રભાવથી પ્રેતની વાચા છૂટી થઇ. તે બોલવા લાગ્યોઃ "હું તારો ભાઇ ધુંધુકારી છું. મેં ઘણાં પાપ કર્યાં, તેથી મારી આ દશા થઇ છે. ભાઇ, મને આમાંથી મુક્ત કરાવો."
ગોકર્ણ બોલ્યોઃ "મેં તારે માટે વિધિપૂર્વક ગયાજીમાં પિંડદાન કર્યું છે, શ્રાદ્ધ કર્યું છે, પણ તું પ્રેતયોનિમાંથી કેમ મુક્ત ન થયો ?" ત્યારે ધુંધુકારી બોલ્યોઃ " હું અતિ પાપી છું. મારૂં એક વાર નહિ પણ અનેકવાર શ્રાદ્ધ કરો, છતાં મારો ઉદ્ધાર નહિ થાય. તમે બીજો કોઇ ઉપાય કરો." ગોકર્ણે તેને ધીરજ આપીને નિર્ભય થવા કહ્યું અને પોતે તેની મુકિત માટે વિચારવા લાગ્યો.
સવાર થતાં ગોકર્ણને બધા મળવા આવ્યા. તેણે અનેક વિદ્વાનોને મળીને રાતે જે કાંઇ બન્યું તે વિશે જાણ કરી, અને તેનો ઉપાય પૂછયો. પણ કોઇ તેનો ઉપાય બતાવી શક્યા નહિ. છેવટે ગોકર્ણે સૂર્યનારાયણને પૂછી જોવાનું નક્કી કર્યું. સૂર્ય પ્રત્યક્ષ દેવ છે અને જગતના મિત્ર છે. માટે જ લોકો સૂર્યને નિત્ય વંદન કરવાનું અને અર્ધ્ય આપવાનું ચૂકતાં નથી. ગોકર્ણે પણ સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી પૂછ્યુંઃ " હે સૂર્યદેવ ! મારા ભાઇનો ઉદ્ધાર થાય એવો કોઇ ઉપાય બતાવો."
સૂર્યનારાયણે જણાવ્યુંઃ " તારે ભાગવતની વિધિપૂર્વક કથા કરવી. કથા સાંભળવાથી પ્રેતની મુકિત થશે, માટે તું એક સપ્તાહની કથા કર. જે જીવની મુકિત શ્રાદ્ધથી ન થાય, તેને શ્રીમદ્ ભાગવતના શ્રવણથી જ મુક્તિ મળી જાય છે."
ધુંધુકારીને પાપમાંથી છોડાવવા ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. આ કથાપારાયણમાં બહુ ભીડ થઇ ગઇ. ત્યાં મોટો સમાજ એકત્ર થયો. આસન પર બેસી ગોકર્ણ જ્યારે કથા કહેવા લાગ્યો ત્યારે પેલો ધુંધુકારી પ્રેત પણ ત્યાં આવ્યો. પોતે વાયુરૂપ હોવાથી તેને અનુકૂળ સ્થાન એવો એક પોલો સાત ગાંઠવાળો વાંસ જોઇ તેમાં પેસી ગયો અને કથા શ્રવણ કરવા લાગ્યો. પ્રથમ દિવસે સાયંકાળે કથા બંધ રાખી ત્યારે બધા શ્રોતાજનોની સમક્ષ જ વાંસની એક ગાંઠ તૂટી ગઇ. આ મુજબ દરરોજ એક-એક ગાંઠ તૂટતી ગઇ તથા સાતમા દિવસે કથા સંપૂર્ણ થતાં સાતમી છેલ્લી ગાંઠ તૂટી અને તેમાંથી દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રેત પ્રગટ થયો. તેણે ગોકર્ણને પ્રણામ કરીને કહ્યુંઃ " હે ભાઇ ! તેં પ્રેતયોનિમાંથી મારી મુક્તિ કરી છે. " ધુંધુકારીને સદગતિ મળી છે, તેથી તે ભાગવતને વારંવાર વંદન કરવા લાગ્યો. ધન્ય છે આ ભાગવતની કથાને, ધન્ય છે શુકદેવજી મહારાજને કે મારા જેવા અતિ પાપીનો પણ છુટકારો થયો.
'શ્રીમદ્ ભાગવતની કથા વગર, ખાલી મોહથી રક્ષણ કરેલા, અતિશય પુષ્ટ અને ખૂબ બળવાન છતાં નાશવંત એવા આ શરીરનું શું કામ ? શરીર તો હાડકાંરૂપી થાંભલાઓવાળું, સ્નાયુઓથી બાંધેલું, માંસ અને લોહી વડે લીંપેલું, ચામડાંથી મઢેલું, દુર્ગંધી, મૂત્ર અને વિષ્કાંડ પાત્ર, વૃદ્ધાવસ્થા અને શોકનાં વાદળોથી ઘેરાયેલું, રોગોનું ઘર, દુઃખોનો ભંડાર એવું વર્ણન કર્યું છે. આવા અસ્થિર શરીર વડે સ્થિર કર્મ શા માટે ન કરવું ? કથાશ્રવણથી જડ અને સૂકાવાંસની ગાંઠો જ્યાં તૂટી ગઉ, ત્યાં ચિત્તની ગાંઠો તૂટે એમાં શું આશ્વર્ય ? ' આમ તે પ્રેતાત્મા કહેવા લાગ્યો. તેવામાં ધુંધુકારીને લેવા પાર્ષદો વિમાન લઇને આવ્યા. તેઓએ ધુંધુકારીને આવકારીને વિમાનમાં બેસાડ્યો. તે સમયે ગોકર્ણે પાર્ષદોને પૂછ્યુંઃ "હે પ્રિય પાર્ષદો ! અહીં ઘણા નિર્મળ શ્રોતાઓ છે. તમે એકલા ધુંધુકારી માટે જ વિમાન કેમ લાવ્યા, બીજા માટે કેમ નહિ ? "
ત્યારે પાર્ષદો બોલ્યાઃ " અહીં કથાનું શ્રવણ તો બધાએ જ કર્યું છે, પણ તેનું મનન કર્યું નથી. આ ધુંધુકારી પ્રેતે એક જ આસને બેસી, સતત સાત દિવસ સુધી ઉપવાસ કરી, રોજ કથાનું એકાગ્રતાથી પ્રેમપૂર્વક શ્રવણ તથા મનન કરતો હતો. શ્રવણ-મનન-નિદિધ્યાસનથી જ્ઞાન દઢ થાય છે. માટે કથા રોજ ધુંધુકારીની જેમ સાંભળવી જોઇએ. " આવું કહી પાર્ષદો વિમાન લઇ વૈકુંઠ તરફ ચાલ્યા ગયા. પછી બધા શ્રોતાગણોને ખાતરી થઇ કે ધુંધુકારી જેમ અમે કથા સાંભળી નહિ, તેથી અમને તેના જેવી ગતિ મળી નહિ. ગોકર્ણે પાછી શ્રાવણ માસમાં કથા કરવાનું નક્કી કર્યું.
શ્રાવણ માસ આવતાં ગોકર્ણે ફરી, બીજી વાર કથા કહી, ત્યારે સર્વનો ઉદ્ધાર થયો. તે વખતે ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્યને લઇને ત્યાં પધાર્યાં. કથાની સમાપ્તિ પ્રસંગે સભામંડપમાં પરમાત્મા પ્રગટ થયા અને ગોકર્ણને ભેટી સાયુજ્ય મુક્તિ આપી. તેમણે ગોકર્ણને વરદાન માગવાનું કહ્યું ત્યારે ગોકર્ણે કહ્યુંઃ " હે પ્રભુ! જે શ્રીકૃષ્ણની કથા કરે, કીર્તન કરે તેવા વૈષ્ણવોનાં હ્ય્દયમાં આપ બિરાજો."
પ્રભુએ નગરના સર્વ શ્રોતાજનોને તથા ચાંડાલો અને શ્વાનોને સુધ્ધાં વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઇ ગયા. પૂર્વે રામચંદ્રજીએ જેમ સઘળા અયોધ્યાવાસીઓ ઉપર કૃપા કરી, તેમને સાકેતમાં લઇ ગયા હતા, તેમ શ્રીમદ્ ભાગવતના અધિષ્ઠાતા ભગવાન શ્રીકૃષ્ણે પણ કૃપા કરી. આ પરમ પાવનકારી શ્રીમદ્ ભાગવતની કથા જો કોઇ મનુષ્ય એક વાર પણ ધ્યાનથી સાંભળે તો તે સમસ્ત પાપોનો નાશ થઇ, મોક્ષ પામે છે.
આખ્યાનમેતત્પરમં પવિત્રં શ્રુતં સકૃદ્ધૈ વિદહેદધૌધમ્ ।
શ્રાદ્ધે પ્રયુક્તં પિતૃતૃપ્તિમાવહેન્નિત્યં સુપાઠાદપુનર્ભવં ।।