શ્રી સિધ્ધનાથદાદાના પરમ ભક્ત રતનદાસ બાવા

સિધ્ધનાથદાદાના પ્રિય ભક્ત રતનદાસ બાવા જેમની સમાધિ ઓલપાડનાં બાવા ફળિયામાં આવેલ છે. જેનાં અનેક ચમત્કારો આજે પણ જાણીતા છે. તેઓ રોજ મધરાતે તાપી નજીક કુરૂક્ષેત્ર પાસેથી જળ કાવડમાં ભરીને માઇલો સુધી ચાલીને પણ સિધ્ધનાથ મહાદેવને અભિષેક કરતાં. એમનો એ નિયમ અચળ હતો. કોઇપણ વિપરીત પરિસ્થિતિ પેદા થાય તો પણ અભિષેક કર્યા વગર ન રહે પછી સખ્ત ટાઢ હોય, તડકો કે ભારે મેઘ તુટી પડ્યાં હોય. અચળ એમનો નિયમ એવી અચળ એમની શ્રધ્ધા હતી. સાપ, અજગરો મોકલતા પણ રતનદાસ બાબાને ભય લાગતો ન હતો. બધી જ કસોટીમાંથી રતનદાસ પસાર થઇ ગયા હતા.
એક દિવસ નિત્ય પ્રમાણે તે મધરાતે વહેલા કાવડ લઇ સિધ્ધનાથ મહાદેવનાં મંદિરે આવી પહોંચ્યા પરંતુ ત્યાં મંદિરનાં દ્વાર બંધ હતા. તેમણે ઉભા ઉભા સિધ્ધનાથ મહાદેવ સન્મુખ "હર હર શંભુ ભોળાનાથ" હું દાસ તું મારો નાથ ની ધૂન ચાલુ કરી થોડીક ક્ષણોમાં જ ધડાકાબંધ "દ્વારનું તાળું તુટી ગયુ" અને સિધ્ધનાથદાદાએ રતનદાસબાબાને સાક્ષાત દર્શન આપ્યાં. ભગવાન પાસેથી તેમના માટે એમણે કંઇ પણ ન માંગ્યું પરંતુ એટલું જ માગ્યુ કે, લોકોનાં માટે હું જે કંઇ બોલું એ સાચું જ પડે. ત્યારથી આજદિન સુધી દર શ્રાવણ માસમાં કાવડીયાઓ સિધ્ધનાથ મહાદેવને તાપીનાં પાણીનો અભિષેક કરે છે.
એક વખત રતનદાર ભક્તની ગાયો ચરતા ચરતા જંગલમાંથી બીજાનાં ખેતરમાં ચરવાં ચાલી ગઇ. તે ખેતરનાં માલિકે પેશવા સરકારને ફરિયાદ કરી. સરકારે ભક્તને કહ્યું તમારી ગાયને છુટી કેમ ફરવા દો છો? બીજાનાં ખેતરને નુકશાન કરે છે. આથી ગાયોને જોઇને ભક્ત બોલ્યા હે ગાયો ! તમારે બીજાનું નુકશાન ન કરવું જોઇતું હતું. ભુખ લાગી હોય તો ધુળ ખાવી જોઇતી હતી ને ? એક ભક્તનું વચન સાંભળી ગાયો ધુળ ચાટવા લાગી. પેશવા સરકાર આ જોઇને ચક્તિ થઇ ગયા. હાથ જોડીને ભક્તને કહ્યું તમે ગાયોને ધુળ ખાતી બંધ કરી દો. ભક્તે ગાયને વિનંતી કરતા ગાયને ધુળ ખાવાની બંધ કરી. જેથી પેશવા સરકાર જોઇ ખુબ આશ્ચર્ય પામ્યાં. પેશવા સરકારે ભક્તની ભક્તિની કસોટી કરવા માટે બે માટલી મંગાવી. એક માટલીમાં મરડીયા ભરી અને બીજી માટલીમાં ધુળ ભરી તેનાં મોઢા બંધ કર્યા. ભક્તને પછી પુછ્યું કે આમાં શું ભર્યુ છે ? ત્યારે ભક્તએ બે માટલીમાં મોઢા બંધ કરાવી દીધા અને સિધ્ધનાથદાદાનું નામ સ્મરણ કરી બે માટલી સાકરથી ભરી દીધી. આ સાકરનો પ્રસાદ ગામે ગામ વહેચાર્યો છતાં એ માટલીમાંથી સાકર ખુટી જ નથી.
સિધ્ધનાથદાદાને ભક્તની ફરી પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન સાધુનાં વેશમાં ભક્તને ઘરે જઇ ભિક્ષા માંગવા લાગ્યા. સાધુએ કહ્યું જે માંગો તે આપશો? ભક્તએ કહ્યું જે માંગે તે આપીશું. જરા પણ વાર ન લાગે. સાધુએ બોલ્યા મને તમારી ધર્મપત્ની ભિક્ષામાં જોઇએ છે. ભક્તએ ઘરમાં જઇ પોતાની પત્નીને કહ્યું સાધુજીને ભિક્ષામાં તમને માંગી છે. તેમની પત્ની પતિવ્રતા હતી. પતિનાં વચન પ્રમાણે સાધુને સંગાથે ગયા. ભક્તે હાથ જોડીને પોતાની પત્ની સોંપી વિદાય આપી. સાધુ અને બાબાની પત્ની ચાલતા - ચાલતા વૃંદાવનની વાડી સુધી પહોંચી ગયાં ત્યાં સાધુ મહારાજ અંતરધ્યાન થઇ ગયા. બાબાની પત્ની ચારેબાજુ સાધુજીને શોધવા લાગ્યાં પરંતુ સાધુ મહારાજ ક્યાંય પણ નજરે ન પડી ભક્તની પત્ની વનમાં રાહ જોઇ એકલા બેસી રહ્યાં ત્યાં સાંજ પડીને લોકો આવ્યાં ત્યાં ભક્તની પત્ની વનમાં રાહ જોઇને કહેવા લાગ્યા - ચાલો અમારી સાથે ઘરે ચાલો. પત્ની બોલ્યા મારા પતિનું વચનભંગ પડે એટલા માટે નથી આવવું લોકોએ ખબર આપી, પછી ભક્ત પોતે આવ્યા અને પત્નીને સમજાવીને કહ્યું કે મારૂં વચન પૂર્ણ થયું છે. હવે તમે મારી સાથે ઘરે ચાલો. ભગવાને પ્રસન્ન થઇ ભક્તને માથે હાથ મુકી તારૂં નામ સિધ્ધ થશે એવું વચન આપ્યું અને અંતરધ્યાન થઇ ગયા. એક વખત રતનદાસ બાબા સાહેબ ફરતાં-ફરતાં કરમલા ગામે પહોંચી ગયાં ભક્તને જોઇને લોકો દોડ્યા અને તેમાં એક રજપૂતની ગરીબ માં-બાપની કુંવારી દિકરી કુશળબા ભક્ત માટે પાણી લઇને દોડ્યાં ભક્ત તરસ્યો તો હતાં જ. ભક્તને પ્રેમથી પાણી પીધું "બેટા તું રાજાની રાણી થશે" એવા આશિર્વાદ આપ્યાં. કુંવારી દિકરી બોલી મને ગરીબ માં બાપની દિકરીને રાજા કેમ પરણશે?
કુશળબા હાથ જોડી તમારી દાસી બની ભક્તિ કરીશ એમ બોલ્યાં. ભક્ત બોલ્યા પરણ્યા પછી મારે દરબારે આવજે.
આમ માંડવીના રાજા એક વખત સિધ્ધનાથના દર્શને આવ્યાં તેમણે ઘણાં દિવસ રોકાયા અને સિધ્ધનાથદાદાનું ધ્યાન ધર્યું. સિધ્ધનાથદાદા પ્રસન્ન થઇ માંડવીરાજાને કહ્યું તમારી પત્નીને સંતાન થશે નહીં જેથી કરમલા (કારમેરા) ગામની ગરીબ કુશળબા સાથે લગ્ન કરી સંતાનપ્રાપ્તિ થશે એવા આર્શિવાદ આપ્યા. માંડવીરાજા મંદિરમાં જ પોતાના બંગલામાં રહેવા લાગ્યાં અને સિધ્ધનાથદાદાનું ધ્યાન ધરવા લાગ્યાં કુશળબા નામ પ્રમાણે તેમનામાં ગુણ હતા. કુશળબા સુંદર અને પતિવ્રતા હતાં. અમુક સમય પછી કુશળબાને પુત્ર થયો. ચારેબાજુ આનંદ ઉલ્લાસ છવાઇ ગયો. કુશળબાએ ગામમાં ભાત અને ચણા વહેંચ્યાં.
આજે સુરત જિલ્લામાં રતનદાર ભગતનાં અનેક દેવી ચમત્કારોની વાતો પ્રચલિત છે. ઓલપાડ ગામે બાવા ફળિયામાં પૂજ્ય રતનદાસ બાબાનું મંદિર છે. તેમનાં વંશજો પુજારી તરીકે કાર્ય કરે છે. દર ગુરૂવારે ભક્તો તેમના દ્વારે આવે છે. ભક્તિ કરે છે. અેમના પરચા અપરંપાર છે. વાંજીયાનાં ઘરે પારણું બંધાવે છે. ભક્તજનો ઇચ્છા પરિપૂર્ણ કરે છે ખેડુતો પણ વાવણી વખતે શ્રી રતનદાસનું નામ યાદ કરીને ખેતરમાં વાવણી કરે છે. તેથી તેમની ખેતીનો પાક નિષ્ફળ જતો નથી. કેટલાક દીનદુઃખીયનાં દુઃખ દુર થાય છે. દર વર્ષે ફાગણ વદ અગિયારસનાં દિવસે ઓલપાડમાં શ્રી રતનદાસ ઉર્ફે બાબા સાહેબનાં મંદિરે મેળો ભરાય છે. અને રાત્રે લોકડાયરાનું આયોજન કરી ભજન-કીર્તન કરવામાં આવે છે.